Table of Contents
જૈન ધર્મના માહિતીના સ્ત્રોતો
જૈનધર્મમાં કુલ ચોવીસ તીર્થંકરો થયા, આગમગ્રંથો જૈનધર્મને જાણવાના મહત્ત્વપૂર્ણ સ્રોતો છે. આ ગ્રંથો પ્રમાણે જૈનધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ અથવા આદિનાથ હતા. ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ હતા.
પાર્શ્વનાથ કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા. તેમણે ત્રીસ વર્ષની વયે ગૃહત્યાગ કરી સંન્યાસી બની જૈનધર્મનો ઉપદેશ આપ્યો. તેમણે વૈદિક ધર્મ અને કર્મકાંડ તથા જાતિપ્રથાનો વિરોધ કર્યો હતો. તેમણે સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહનો ઉપદેશ આપ્યો હતો. તેમના પછી ચોવીસમા અને છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામી હતા.
મહાવીર સ્વામી નું પ્રારંભિક જીવન
વજ્જી સંઘના એક ગણરાજ્ય કુંડગ્રામના જ્ઞાતૃક ક્ષત્રિય વંશમાં મહાવીર સ્વામી નો જન્મ થયો હતો. તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું. તેમના પિતા સિદ્ધાર્થ ગણરાજ્યના રાજા હતા. મહાવીર સ્વામીનાં માતાનું નામ ત્રિશલાદેવી હતું. તેમના મોટાભાઈનું નામ નંદિવર્ધન હતું. વર્ધમાન પણ ગૌતમ બુદ્ધની જેમ રાજકુમાર હોવાથી તેમણે અનેક કલાનું જ્ઞાન મેળવ્યું હતું. તેમનાં લગ્ન રાજકુમારી યશોદા સાથે થયાં હતાં. વર્ધમાનની પુત્રીનું નામ પ્રિયદર્શિની હતું.
મૂળ નામ | વર્ધમાન |
જન્મ | કુંડગ્રામ |
માતા | ત્રિશલાદેવી |
પિતા | સિદ્ધાર્થ |
મોટાભાઈ | નંદિવર્ધન |
પત્ની | યશોદા |
પુત્રી | પ્રિયદર્શિની |
ગૃહત્યાગ અને સાધના
ત્રીસ વર્ષની વયે સત્ય અને જ્ઞાનની શોધમાં તેમણે ગૃહત્યાગ કર્યો. ભિક્ષુક જીવન ધારણ કરી બાર વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી. ઋજુપાલિક નદીના કિનારે તેમને સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. પોતાનાં મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ ‘જિન’ કહેવાયા. આવા મહાન પરાક્રમી વર્ધમાન મહાવીર‘ તરીકે જાણીતાં થયા.
મહાવીર સ્વામી ના ઉપદેશ
બુદ્ધની જેમ જ મહાવીર સ્વામી પણ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માને છે. તેઓ ઈશ્વરનો ઇન્કાર કરે છે. તેમના ઉપદેશને ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તેમણે નીચે મુજબનાં પાંચ વ્રતોનો ઉપદેશ આપ્યો હતો :
1. સત્ય
ક્યારેય અસત્યનું ઉચ્ચારણ કરવું જોઈએ નહિ. વિચાર્યા કે સમજ્યા વિના બોલવું પણ જોઈએ નહિ. સત્યના પાલન માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. સત્યનું હંમેશાં દરેક પરિસ્થિતિમાં પાલન કરવું જોઈએ.
2. અહિંસા
મહાવીર સ્વામી માનતા કે હિંસા એ માનવસમાજનું સૌથી મોટું દૂષણ છે. કોઈપણ પ્રકારની હિંસા કરવી જોઈએ નહિ. નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરો અધિકાર છે. મનમાં પણ હિંસા કરવી જોઈએ નહિ. પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે.
3. અપરિગ્રહ
મનુષ્ય પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ, ધન-ધાન્ય, આભૂષણો, વસ્ત્રોનો સંગ્રહ કરવો જોઈએ નહિ. જેટલી જરૂરિયાત હોય તેટલું જ રાખવાથી સંગ્રહવૃત્તિ ઘટે અને પરિણામે ગરીબો સુધી અનાજ જેવી ચીજવસ્તુઓ પહોંચે તેવો મહત્ત્વનો સંદેશ તેમણે આપ્યો.
4. અસ્તેય
ચોરી એ સૌથી મોટું અનિષ્ટ છે, કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ કરવી જોઈએ નહિ. કોઈની આજ્ઞા વગર કોઈના ઘરમાં પ્રવેશ કરવો તે પણ ચોરી છે તેમ સમજાવી તે સમયના સમાજને ચોરવૃત્તિથી દૂર કરવાનો તેમણે પ્રયત્ન કર્યો.
5. બ્રહ્મચર્ય
તેમણે જૈન સાધુઓ અને સાધ્વીઓને બ્રહ્મચર્યનું પાલન કરવા ખાસ જણાવ્યું હતું.
મહાવીર સ્વામી એક મહાન સુધારક
મહાવીર સ્વામીએ કર્મકાંડ અને યજ્ઞોનો વિરોધ કર્યો. તેમણે ઈશ્વરનો ઇન્કાર કર્યો. યજ્ઞમાં થતી પશુહિંસાની નિંદા કરી. સ્ત્રીઓને સમાન અધિકાર આપવાની વાત કરી. બુદ્ધની જેમ જ તેમણે લોકોની ભાષા પ્રાકૃત અને અર્ધમાગ્ધીમાં ઉપદેશ આપ્યો. સાદા અને સરળ ઉપદેશથી તેમણે લોકોનું જીવન બદલી નાખ્યું.
મહાવીર નિર્વાણ
72 વર્ષની વયે પાવાપુરીમાં તેઓ નિર્વાણ પામ્યા.