જૈન ધર્મ (Jain Dharm) : 13 Useful Facts

જૈન ધર્મ


જૈન ધર્મ ના તીર્થકરો

તીર્થંકર શબ્દનો અર્થ “પવિત્ર કરનાર થાય છે.” જૈનધર્મમાં જેમણે પોતાની અલૌકિક, અદ્ભુત શકિતથી, તેમજ શાસ્ત્ર અને ઉત્તમ ચારિત્ર્ય દ્વારા સંસારરૂપી નદી પાર કરી શકાય તેવો ઘાટ બાંધ્યો તે મહામાનવ, મહાન વિભૂતિ તીર્થંકર ગણાય છે.

જૈન શાસ્ત્રોના મતાનુસાર કુલ 24 તીર્થંકરો થયા છે, જેમાં મહાવીરસ્વામી 24મા તીર્થંકર છે. તે પહેલાનાં 23 તીર્થંકરોના નામ નીચે કોષ્ટકમાં આપ્યાં છે, જેનો ઉલ્લેખ જૈનશાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે.


જૈન ધર્મ ના 24 તીર્થંકરો અને તેમનાં પ્રતીક (લાંછન)

ક્રમતીર્થંકરપ્રતીક (લાંછન)
1ઋષભદેવ(આદિનાથ)વૃષભ
2અજિતનાથહાથી
3સંભવનાથઘોડો
4અભિનન્દનવાનર
5સુમિતનાથક્રૌંચ
6પદ્મપ્રભુકમળ
7સુપાર્શ્વનાથસ્વસ્તિક
8ચંદ્રપ્રભુચંદ્ર
9સુવિધિનાથમગર
10શીતલનાથશ્રીવત્સ
11શ્રેયાંસનાથગેંડો
12વાસુપૂજ્યપાડો
13વિમલનાથસુવર
14અનન્તનબાજ
15ધર્મનાથવ્રજ
16શાન્તિનાથહરણ
17કુંથુનાથબકરો
18અરનાથનન્ધાવર્ત
19મલ્લિનાથકળશ
20મુનિસુવ્રતકાચબો
21નેમિનાથનીલકમલ
22અરિષ્ટનેમિ(નેમિનાથ)શંખ
23પાર્શ્વનાથસર્પ
24મહાવીરસ્વામીસિંહ

જૈન ધર્મ નો ઉદ્ભવ

મહાવીર સ્વામીએ 42 વર્ષની વયે કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું. પોતાના ઉપદેશથી તેમણે અનેક સાધુ-સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓને પોતાનાં અનુયાયીઓ બનાવ્યાં હતાં. જૈનધર્મની માન્યતા પ્રમાણે, જૈનધર્મની સ્થાપના આદિકાળથી થઈ હતી.

મહાવીરસ્વામી પહેલાં ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથે ઈ.સ. પૂર્વે 700ની આસપાસ જૈનધર્મની વિચારસરણીનો ઉપદેશ લોકોને આપ્યો હતો. તે જોતાં મહાવીરસ્વામીને પાર્શ્વનાથના અનુયાયી ગણાવી શકાય.

મહાવીર સ્વામીએ પોતાનો ઉપદેશ લોકો સરળતાથી સમજી શકે તેવી લોકભાષા—અર્ધમાગધીમાં આપ્યો. તેથી લોકો સહજ રીતે આ ધર્મને સ્વીકારી શક્યા. મહાવીર સ્વામીના નિર્વાણ પછી લગભગ 200 વર્ષ બાદ જૈનપરંપરાના અનુયાયીઓ દ્વારા જૈનધર્મનો ફેલાવો ઝડપી બન્યો.

પ્રાચીન સમયમાં જૈનધર્મ કલિંગ (વર્તમાન ઓરિસ્સા) દેશમાં પ્રસર્યો હોય તેમ જણાય છે. ચીની યાત્રાળુ યુઅન—સ્વાંગે કલિંગ દેશને જૈનધર્મનું મુખ્ય ઉદ્ભવસ્થાન કહ્યું છે. એ જ રીતે બિહારમાં નન્દવંશના આશ્રયે જૈનધર્મ ફેલાયો. ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ સંક્રતિએ જૈનધર્મ અપનાવ્યો હોવાનું જાણવા મળે છે.


જૈન ધર્મ નો વિકાસ

ઓરિસ્સામાં આવેલ કટક પાસેના ઉદયગિરિમાંથી ચૌલવંશના રાજા ખારવેલના ઈ.સ. પૂર્વે બીજી સદીના હાથીગુફાના શિલાલેખ પરથી જાણવા મળે છે કે, આ રાજાઓએ જૈનધર્મનું અનુસરણ કર્યું હતું. ઈસુની શરૂઆતની સદીમાં, ઉત્તર ભારતમાં મથુરામાંથી મળી આવેલ શિલાલેખ પરથી જણાઈ આવે છે કે, મથુરા લાંબા સમય સુધી જૈનધર્મનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું.

દક્ષિણ ભારતના મૈસુરમાં (ઈસુની પહેલી સદી) શ્રવણબેલગોડા ખાતે, તેમજ ગંગ, કદંબ, ચાલુક્ય અને રાષ્ટ્રક્ટ વંશના રાજાઓએ પોતાના રાજ્યોમાં (ઈસુની પાંચમીથી બારમી સદી) જૈનધર્મનો પ્રસાર કરવા દીધો. તેથી અહીં પણ જૈનધર્મનો સારો એવો ફેલાવો થયો હતો.

એજ રીતે મહારાષ્ટ્ર અને રાજસ્થાન(મારવાડ)ની સાથે ભારતના અન્ય કેટલાક પ્રદેશોમાં પણ જૈનધર્મનો પ્રચાર-પ્રસાર થયો હતો.


જૈન ધર્મ નું 2 પંથમાં વિભાજન

ચંદ્રગુપ્તના શાસનકાળના અંતભાગમાં મગધમાં દુષ્કાળ પડતાં, ગણધર ભદ્રબાહુ તેમના અનુયાયીઓ સાથે દક્ષિણમાં ગયા. મગધમાં રહેલા અનુયાયીઓએ ગણધર સ્થૂલિભદ્રની નેતાગીરી નીચે મહાવીરસ્વામીના ઉપદેશને વ્યવસ્થિત રીતે ગ્રંથસ્થ કરવા તેમજ જૈનગ્રંથોની પુનઃરચના માટે મગધના પાટનગર પાટલીપુત્રમાં પ્રથમ જૈનસભા બોલાવી.

આ સમયે દક્ષિણ ભારતમાં ગયેલા અનુયાયીઓ મગધ પાછા ફરતાં, બન્ને તરફની કેટલીક સૈદ્ધાંતિક બાબતો વિશે મતભેદ ઊભા થતાં શ્વેતાંબર અને દિગંબર એવા બે જૈનસંપ્રદાય ઊભા થયા.

  1. શ્વેતાંબર એટલે શ્વેત વસ્ત્રોના હિમાયતી સાધુઓના અનુયાયી લોકો. આ જૈનો મૂર્તિપૂજાના હિમાયતી હતા.
  2. દિગંબર (દિક્ = દિશા પરથી અપભ્રંશ શબ્દ દિગ) એટલે દિશારૂપી વસ્ત્ર ધારણ કરનાર, (જૈનસાધુઓએ વસ્ત્ર ધારણ કરવાં ન જોઈએ તેવો મત ધરાવનાર) જૈન અનુયાયીઓ દિગંબર કહેવાયા.

જૈનધર્મમાં ઉપર્યુક્ત બે સંપ્રદાય—પંથ ઉદ્ભવ્યા હોવા છતાં, ભારતમાં જૈનધર્મનો ફેલાવો સારો એવો થયેલો જણાય છે.


જૈન ધર્મ ના મુખ્ય સિદ્ધાંતો

જૈનધર્મમાં આત્માને મોક્ષપ્રાપ્તિ કઈ રીતે પ્રાપ્ત થાય તે વિચાર કેન્દ્રસ્થાને છે. જૈનદર્શનમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે શ્રદ્ધા, જ્ઞાન અને આચરણ કે જે સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચરિત્ર જેવાં ત્રણ રત્નોને નામે પ્રસિદ્ધ છે.

તેના આચરણથી પૂર્વનાં બધાં કર્મોમાંથી મુક્તિ મળે છે તથા પાપનું ફળ પુર્નજન્મ વખતે મળે છે. જૈનધર્મે મોક્ષ મેળવવાના માર્ગ તરીકે આ ત્રણ રત્નો (સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન અને સમ્યકઆચરણ)નો માર્ગ સૂચવ્યો છે, જે ત્રિરત્નસિદ્ધાંત તરીકે જાણીતો છે.

પાંચ વ્રતોપાંચ સમિતિત્રણ ગુપ્તિઓચાર ભાવના
અહિંસાઇર્યાસમિતિમનોગુપ્તિમૈત્રી
સત્યભાષાસમિતિવાકગુપ્તિપ્રમાદ
અસ્તેયએષણાસમિતિકાયગુપ્તિકરુણા
બ્રહ્મચર્યઆદાનનિક્ષેપણ
સમિતિ
મધ્યસ્થ
અપરિગ્રહપરિષ્ઠાયન
સમિતિ

સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચરિત્ર માટે માનવે આ પ્રમાણેનાં પાંચ વ્રતો, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓ અને ચાર ભાવનાઓનું પાલન કરવું જોઈએ.


જૈન ધર્મ માં આધ્યાત્મિક બાબતો

જૈનધર્મમાં તપશ્ચર્યા અને વૈરાગી જીવનનું ઘણું મહત્ત્વ છે. ક્ષમા, મૃદુતા, નિષ્કપટતા, ઉદારતા, તપ, ઇન્દ્રિયનિગ્રહ, સત્ય, પવિત્રતા, અકિંચિતતા તેમજ પ્રતિક્રમણ અને સામાયિકની ક્રિયામાં આધ્યાત્મિક બાબતો સમાયેલી છે.

પ્રતિક્રમણ દ્વારા શુભ તરફ પ્રયાણ કરવું તેમજ સામાયિક દ્વારા એક જગ્યાએ બેસી આત્મચિંતન, સ્તુતિ, વંદન કરવા. મહિનામાં પાંચવાર પોસહ કે પોષધવ્રત કરી ઇચ્છાઓનો ત્યાગ કરવો. નિશ્ચિત કરેલા દિવસોએ શેત્રુંજય, ગિરનાર, ચંપાપુરી, પાવાપુરી, સમેતશિખર જેવાં સ્થળોની યાત્રા કરવાનાં વિશેષ મહત્ત્વનો જૈનદર્શનમાં ઉલ્લેખ કરેલ છે.

જૈનોની પ્રાર્થનામાં નવકારમંત્રનું ઉચ્ચારણ, દેરાસર કે પૂજાસ્થળની જગ્યાનાં પવિત્ર ચિત્રો, તેમજ જૈનોના પર્વધિરાજ ગણાતા પજુષણ (પર્યુષણ) જેવાં પર્વો અને મિચ્છામિદુક્કડમ (મિ ક્ષમામી દુષ્કૃત્યમ્) જેવાં વાક્યોમાં જૈનધર્મની આધ્યાત્મિકતાનો પરિચય થાય છે.


જૈન ધર્મ માં તત્ત્વજ્ઞાન

જૈનધર્મ પૃથ્વી પરનાં દરેક તત્ત્વોને જીવ અને સજીવ એવા વિભાગમાં વહેંચે છે. દરેક જીવ પોતાના પુણ્યના આધારે દેવ, મનુષ્ય કે પ્રાણી બને છે. જીવની બદ્ધજીવ, મુક્તજીવ અને નિત્ય સિદ્ધજીવ એ ત્રણ કક્ષા કહી છે. કર્મ આત્મા માટે બંધન રૂપ છે. આવા કર્મમાં મુક્તિ માટે નવું કર્મ કરવુ નહિ અને ઉત્પન્ન થયેલ કર્મના તપ વડે ક્ષય કરવો.


જૈન મૂર્તિઓ

જૈન ધર્મસ્થાનોમાં અનેક દેવીઓ, તીર્થંકરોની મૂર્તિઓ હોય છે. જેમાંથી અંબિકા, ચક્રેશ્વરી, જ્વાલિની અથવા જ્વાલામાલિની, પદ્માવતી, ચામુંડા, મહાદેવી, ભારતી અથવા સરસ્વતી મુખ્ય દેવીઓ છે.

જૈનધર્મનાં દેવસ્થાનોમાં તીર્થંકરોની મૂર્તિ સાથે તેમની સાથે રહેલ યક્ષ, શાસનદેવી અને લાંછન પરથી તીર્થંકરની મૂર્તિઓની ઓળખ થાય છે.

પ્રાણીઓનાં લાંછન, જૈનધર્મમાં રહેલ જીવમાત્ર તરફના અહિંસાભાવનાં સૂચક છે.


જૈન ધર્મ ગ્રંથો

જૈન ધર્મગ્રંથોમાં આધ્યાત્મિક ભાવનાઓ, ધાર્મિક કથાઓ, શિલ્પશાસ્ત્ર અને તીર્થંકરના સ્તોત્રો મુખ્ય છે. તે ઉપરાંત વિજ્ઞાન શાસ્ત્ર, કાવ્યો, વાર્તાઓ, નાટકો તેમજ લેખો અને સાંસારિક વિષયના ગ્રંથો દ્વારા પણ જૈનધર્મને પ્રોત્સાહન મળેલું છે. ભારતની જુદી-જુદી આર્ય તેમજ આર્યેતર દ્વાવિડિયન ભાષાઓ અને ઉપભાષાઓમાં જૈનસાહિત્ય લખાયું છે.


જૈન ધર્મ નું સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન

ભારતીય સમાજ અને સંસ્કૃતિને જૈન વિચારધારાએ બહુ મોટું પ્રદાન આપ્યું છે. જૈનસાધુઓનું દેહદમન, કઠોર સંયમ અને તપસ્યામય જીવન તેમજ વિશેષરૂપે અહિંસાનું પાલન ભારતીયોને નૈતિક અને નિષ્ઠાવાન જીવન પસાર કરવા માટે બળવાન પ્રેરણા આપે છે.

ગાંધીજીના મતે “અહિંસા તત્ત્વના સૌથી વધુ મહાન પ્રચારક મહાવીરસ્વામી જ હતા.” આ અહિંસાનો સિદ્ધાંત ગાંધીજીનો જીવનમંત્ર બન્યો હતો. પ્રાણીમાત્ર પ્રત્યે મન, વચન અને કર્મથી અહિંસાના આચરણ ૫૨ જૈનધર્મ ભાર મૂકે છે.

જ્ઞાતિ, જાતિ, ભાષા કે પ્રદેશ તેમજ સ્ત્રી-પુરુષના ભેદભાવ વગર દરેકને જૈનસમાજમાં ઊંચું સ્થાન અને દરજ્જો જૈનધર્મે આપ્યા. સ્ત્રીઓને પણ દીક્ષા લેવાનો, સાધ્વીજીવન જીવવાનો, કલ્યાણમાર્ગ અને મોક્ષપ્રાપ્તિનો અધિકાર આપી મહાવીરસ્વામી સમાજસુધારક બન્યા હતા.


જૈન ધર્મ નું સાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન

મહાવીરસ્વામી અને તેમની પહેલાનાં તીર્થંકરોએ મૌખિક ઉપદેશ જ કર્યો હતો, પરંતુ તેમના ગણધરોએ – મુખ્ય શિષ્યોએ મહાવીરસ્વામીના ઉપદેશને ગ્રંથસ્થ કરીને કાળજીપૂર્વક સાચવી રાખેલ છે.

જૈનધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે, જેમાં સાધુ-સાધ્વીઓ અને જૈન અનુયાયીઓને લગતા નિયમો કે આદર્શોનો સમાવેશ થાય છે. અંગ અને દશવૈતાલિક સૂત્રની રચના પ્રાકૃત અથવા અર્ધમાગધી ભાષામાં થયેલ છે.

ઈસુની સાતમી અને આઠમી સદીમાં આ ગ્રંથો વિશેની ટીકાઓ (વિવેચન) તેમજ અન્ય જૈનદર્શનશાસ્ત્રો સંસ્કૃત ભાષામાં લખવા શરૂ થયા હતા. ગુણાઢ્યરચિત ‘બૃહત્કથા‘ જૈનસૂરિ જિનસેન રચિત ‘હરિવંશપુરાણ”, સંઘદાસગણિ રચિત ‘વાસુદેવહિંડી‘ નામના ગ્રંથો ઘણા પ્રસિદ્ધ છે.

તેમજ ‘કલિકાલસર્વજ્ઞ’નું બિરુદ પામેલા ગુજરાતના હેમચંદ્રાચાર્ય દ્વારા પ્રાકૃત ભાષામાં રચાયેલ “સિદ્ધહેમશબ્દાનુંશાસન’ નામનો વ્યાકરણગ્રંથ તથા વ્યાકરણના નિયમોને સમજાવતું ‘યાશ્રય’ નામનું મહાકાવ્ય પ્રસિદ્ધ છે. ગુજરાતના વાઘેલાવંશના રાજમંત્રી વસ્તુપાલ-તેજપાલ સમર્થ સાહિત્યકાર હતા. કવિ સોમેશ્વર રચિત ‘કીર્તિકૌમુદી‘ નામનું મહાકાવ્ય ઘણું પ્રસિદ્ધ છે.

જૈનસાધુઓ દ્વારા પ્રાચીન ગ્રંથની નકલ કરેલી હસ્તપ્રતો ગુજરાતના પાટણ શહેરમાં સચવાયેલી છે. જૈનલેખકોએ સંસ્કૃત અને પ્રાકૃત ભાષા સાથે કન્નડ, તમિલ, તેલુગુ, ગુજરાતી, રાજસ્થાની વગેરે ભાષાઓમાં પોતાની રચના કરી પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં બહુ મોટું પ્રદાન આપ્યું છે.

તામિલ ભાષાના પ્રસિદ્ધ ગ્રંથ ‘કુરલ’ ના કેટલાક ભાગની રચના જૈનો દ્વારા થઈ છે. ભાષાની દૃષ્ટિએ પ્રાચીન જૈનસાહિત્યની પ્રાકૃત ભાષા અને અપભ્રંશ ભાષા, આધુનિક ભારતીય ભાષાઓ અને પ્રાચીન સંસ્કૃત ભાષાને જોડતી કડી સમાન ગણાય છે.


જૈન ધર્મ નું કલા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન

સ્થાપત્યક્લા

સ્થાપત્યક્લામાં ઓરિસ્સાના પૂરી જિલ્લામાં રાજા ખારવેલે ઉદયિગિર અને ખંડિગિર પર્વતમાં કોતરાવેલી 35 ગુફા મળે છે, જેમાં રાણીગુફા અને ગણેશગુફા સૌથી વધારે આકર્ષક છે.

પશ્ચિમ ભારતમાં ઇલોરામાં આવેલી જૈનગુફાઓમાં ઇન્દ્રસભા નામની બે માળની ગુફા પ્રસિદ્ધ છે. મધ્યકાળમાં ગુજરાતમાં પાલીતાણા (શેત્રુંજય) અને ગિરનાર પર્વતો ઉપર આવેલાં જૈનમંદિરો, કુંભારિયાનાં દેરાસરો તેમજ આબુ પર્વત પર આવેલા દેલવાડાનાં અને રાણકપુરનાં જૈનદેરાસરો શિલ્પ અને સ્થાપત્યોના ઉત્તમ નમૂના ગણાવી શકાય.

ખાસ કરીને આબુ પર્વત પરના દેલવાડાનાં દહેરાં કે જે ગુજરાતના જૈનમંત્રી વિમલશાહે બંધાવેલ. વિમલવસહી અને વસ્તુપાળે બંધાવેલ લુણવસહીના મંદિરોનાં શિખરો ખજૂરાહોના મંદિરના શિખર જેવાં છે. આરસપહાણથી બનેલી તેની છતો અને સ્તંભો ઉપરનું બારીક અને મનોહર શિલ્પકામ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આ સ્થાપત્યકલા અજોડ અને યાદગાર વારસા તરીકે ભારતીય સંસ્કૃતિને મળેલી અણમોલ ભેટ છે.

શિલ્પકલા

જૈનદેરાસરોમાં રહેલી તીર્થંકરોની પ્રતિમાઓ દ્વારા પ્રાચીન અને મધ્યકાળના શિલ્પીઓની શિલ્પકલાનો પરિચય થાય છે.

મધ્યભારતમાં આવેલા ખજૂરાહો ખાતે પાર્શ્વનાથ, શક્તિનાથ અને આદિનાથ નામનાં મંદિરો આવેલાં છે, જેમાં અનેક હિન્દી દેવી-દેવતાઓની મૂર્તિમાં હિન્દુઓ અને જૈન મતોની સહિષ્ણુતા જોવા મળે છે, જૈનોના આદિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ કે મહાવીરસ્વામી જેવાં તિર્થંકરોની અસંખ્ય મૂર્તિઓ, તેમનાં લાંછનો, ધર્મસ્થાનની દીવાલો, છત, સ્તંભ પ્રવેશદ્વાર પર યક્ષો, યક્ષિણી, વાહકો, નર્તકોની શિલ્પકૃતિઓ વગે૨ે શિલ્પકલાના ઉત્તમ નમૂના છે.

દક્ષિણનાં મૈસુરમાં ચંદ્રગિરિ પહાડ પર આવેલી ઊંચી અને ભવ્ય ગોતમેશ્વર (બાહુબલિ)ની મૂર્તિ મધ્યકાલીન જૈન શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો ગણાય છે.

ચિત્રકલા

શિલ્પકલા અને સ્થાપત્યકલાની જેમ ચિત્રકલાનો પરિચય જૈનદેરાસરોની છતો અને દીવાલો, રાજમહેલો, જૈન દેરાસરો કે જૈન શ્રેષ્ઠિઓનાં નિવાસસ્થાનોની દીવાલો કે છતો પર દોરેલાં ચિત્રો પરથી મળે છે.

ધાર્મિક વિધિ માટે ઉપયોગમાં લેવાતા કપડા પર તેમજ તેમના હસ્તલિખિત પુસ્તકોના હાંસિયા પર રંગબેરંગી ચિત્રો અને વલ્લરિયો-વેલબુટ્ટાઓ બનાવેલા જોવા મળે છે. તે પૂર્વ મધ્યકાલીન ભારતીય લઘુચિત્રકલાની સમૃદ્ધિ પ્રદર્શિત કરે છે.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments